Sunday, 28 April 2024

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનાં “ સન્માન બદલે સેવા” સુત્રને ચરીતાર્થ કરતો ચોથો સર્વરોગ નિદાન કેમ્પ થયો*


*જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી નિમિત્તે તેમના ચાહકો દ્રારા ૧૧ ગામમાં ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ કરીને અનોખું સન્માન કરવાનો મનોરથ*

——————————————————


જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને પદ્મ પુરસ્કાર જાહેર થયા બાદ એમણે જાહેરાત કરી હતી કે તેઓ આજીવન ફૂલહાર, પુષ્પગુચ્છ, શાલ, મોમેન્ટો કે સન્માનપત્ર સ્વીકારશે નહીં પણ એમનું સન્માન કરવું હોય તો “ સન્માન બદલે સેવા “ કરો.


જગદીશ ત્રિવેદીના મૌલિક અને સમાજોપયોગી વિચારને એમના ચાહકો અને મિત્રોએ વધાવી લીધો હતો અને પદ્મશ્રી નિમિતે ગુજરાતના કુલ ૧૧ શહેરમાં ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ કરવા અને એમાં દવા પણ તદ્દન મફત આપવી એવી જાહેરાત કરી હતી.


આ શૃંખલા અંતર્ગત પહેલો કેમ્પ દર્શન વિદ્યાલય- રતનપર , બીજો કેમ્પ શ્રી સ્વામીનારાયણ વિદ્યાર્થીભૂવન- સુરેન્દ્રનગર, ત્રીજો કેમ્પ બ્રહ્મસમાજ બોટાદ તરફથી સંપન્ન થયા બાદ ચોથો કેમ્પ તા.૨૬/૪/૨૪ ના રોજ પ્રથુગઢ ગામની સરકારી પ્રાથમિક શાળામાં થયો હતો. પાંચમો કેમ્પ વસાડવા ગામમાં ૨૯/૪ ના રોજ થનાર છે. છઠ્ઠો કેમ્પ મે માસમાં મહુવા બ્રહ્મસમાજ દ્રારા થશે , સાતમો કેમ્પ રાજકોટ સર્જન ડોક્ટર્સ એશોશિએશન કરશે અને આઠમો કેમ્પ અણીન્દ્રા ગામમાં યોજાનાર છે. 

તા.૧૨/૧૦/૨૦૨૪ ના રોજ જગદીશ ત્રિવેદીના જન્મદિવસે એમની રકતતુલા કરી ભવ્ય રક્તદાન કેમ્પ દ્રારા આ ૧૧ કેમ્પના અભિયાનની પૂર્ણાહૂતિ થશે. 

પ્રર્થુગઢ ગામની સરકારી પ્રાથમિક શાળા સુરેન્દ્રનગર જીલ્લાની આદર્શ પ્રાથમિક શાળા છે. આ શાળાના આચાર્ય ચેતનભાઈ કાનાણી પહેલા મિલટ્રીમાં હતા એટલે એમનામાં સૈનિક જેવી શિસ્ત અને શિક્ષક જેવી  નિષ્ઠા છે. એમણે ચોથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યુ હતું.જેમાં દવા પણ નિશૂલ્ક આપવામાં આવી હતી. 

ડો. શ્યામ શાહના માર્ગદર્શન નીચે આઠ યુવાન ડોક્ટર્સની ટીમ સેવારત હતી. આ પ્રસંગે સ્વામીનારાયણ વિદ્યાર્થીભૂવનના પૂજયમહાત્માસ્વામી, સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, જાણીતા શિક્ષણવિદ ડો. એમ.યુ. ટમાલીયા, ઓશો ધ્યાનકેન્દ્રનાં સંચાલક જશવંત મહેતા તથા શહેરની સુપ્રસિદ્ધ દર્શન વિધાલયનાં સેવાભાવી સંચાલક મહેશભાઈ કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ભોજનની સેવા ગુરુકુળનાં સત્સંગીબંધુ ધીરૂભાઈ અને રાજુભાઈ તરફથી હતી.




પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીની અભૂતપૂર્વ સ્વાગતયાત્રા



મહામહીમ રાષ્ટ્રપતિ દ્રોપદીબહેન મુર્મુના વરદહસ્તે પદ્મ પુરસ્કાર મેળવી સુરેન્દ્રનગર પધારેલા ડો. જગદીશ ત્રિવેદીનું ઝાલાવાડના સર્વ ધર્મ અને સર્વ જ્ઞાતિના લોકોએ અભૂતપૂર્વ સન્માન કર્યું હતું. 


દીલ્હીથી વાયા તલગાજરડા થઈને પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ લઈ તા.૨૫/૪/૨૪ ગુરૂવારની સાંજે સુરેન્દ્રનગર આવેલા ડો. જગદીશ ત્રિવેદીનું ઉપાસના સર્કલ ખાતે ભવ્ય સ્વાગત થયું હતું. માલધારી સમાજે પોતાની પરંપરાગત પાઘડી પહેરાવી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. 

ત્યારબાદ તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોએ સ્વયંભૂ ઠેરઠેર જગદીશ ત્રિવેદીનું સ્વાગત કર્યુ હતું. સંપૂર્ણ શિસ્ત સાથે તથા બિનરાજકીય રીતે આ સ્વાગત યાત્રા બે કલાક સુધી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. 

સુરેન્દ્રનગર- વઢવાણ સંયુક્ત નગરપાલિકાએ જગદીશ ત્રિવેદીના નિવાસસ્થાન પાસે આવેલા ચોકને ડો. જગદીશ ત્રિવેદી ચોક એવું નામ આપ્યું છે. છેલ્લે ડો. જગદીશ ત્રિવેદી ચોકમાં જગદીશ ત્રિવેદીના કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીતના સમુહગાન સાથે આ સ્વાગત યાત્રાને વિરામ આપવામાં આવ્યો હતો. 

કોઈ બિનરાજકીય માણસના સન્માનમાં આટલી મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ ઉપસ્થિત રહ્યા હોય એવી સુરેન્દ્રનગરની આ અભૂતપૂર્વ ઘટના હતી.







જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કાર

 *જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કાર*

—————————————————

*વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમીતભાઈ શાહ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ખાસ ઉપસ્થિત રહ્યા*

—————————————————


ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ૨૨/૪/૨૪ ની સાંજે ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્રોપદીબહેન મુર્મુના વરદહસ્તે પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો છે. 

આ પ્રસંગે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિ મહામહીમ જગદીપ ધનખડ તથા ગૃહમંત્રી અમીતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

જગદીશ ત્રિવેદીને ૬ માર્ચના રોજ રાષ્ટ્રપતિના વરદહસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને માત્ર ૪૭ દિવસ બાદ એમના જ વરદહસ્તે પદ્મ પુરસ્કાર મળ્યો છે. આટલા ટૂંકા ગાળામાં કોઈને મહામહીમ રાષ્ટ્રપતિના હસ્તે બે વખત સન્માન મળ્યું હોય એવી ભારતની આ પ્રથમ ઘટના છે એટલે જગદીશ ત્રિવેદી ખરા અર્થમાં ગુજરાતનું ગૌરવ છે. 

જગદીશ ત્રિવેદી પદ્મ પુરસ્કાર લઈને વડાપ્રધાન મોદી પાસે ગયા તો વડાપ્રધાને પોતાના સ્થાન પરથી ઉભા થઈને શુભકામના આપી હતી અને પ્રતિભાવમાં જગદીશ ત્રિવેદીએ વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે મનકી બાત કાર્યક્રમમાં આપના મુખેથી મારો ઉલ્લેખ અને પદ્મ પુરસ્કારથી મને એટલું બધું બળ મળ્યું છે કે હું જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજસેવા કરતો રહીશ.







Wednesday, 6 March 2024

જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિના હસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો




સરકાર પાસેથી એક લાખ મળ્યા તેમાં દસ લાખ ઉમેરી હોસ્પિટલમાં અગીયાર લાખનું દાન

——————————————————-



છઠ્ઠી માર્ચ બુધવારની સાંજે જગદીશ ત્રિવેદીને દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના વરદહસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.


તામ્રપત્ર, શાલ અને એક લાખ રુપિયાનો પુરસ્કાર મેળવી સમાજસેવક ત્રિવેદીએ તરત જ તેમાં દસ લાખ ઉમેરી સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં અગીયાર લાખ રુપિયાનાં ડીઝીટલ એકસરે મશીનનું દાન કર્યુ હતું. 


આ એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી જી. કીશન રેડ્ડી તથા કાયદો, ન્યાય તથા પાર્લામેન્ટરી અફેર્સ અને સાંસ્કૃતિક મંત્રી અર્જૂન રામ મેઘવાળ, સંગીત નાટક અકાદમીના ચેરમેન સંધ્યા પુરેચા અને સાંસ્કૃતિક મંત્રાલયના મહામંત્રી ગોવિંદ મોહન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

પહેલી તસ્વિરમાં મહામહીમ રાષ્ટ્રપતિના વરદહસ્તે એક લાખનો એવોર્ડ સ્વીકારતાં અને બીજી તસ્વિરમાં સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલના આગેવાનોને અગિયાર લાખ અર્પણ કરતાં જગદીશ ત્રિવેદી જોવા મળે છે.


Saturday, 10 February 2024

પત્નીના જન્મદિવસે ટીંબીની નિર્દોષાનંદજી હોસ્પિટલને ૧૮ લાખ રુપિયાનું દાન આપતા જગદીશ ત્રિવેદી ; આ ૧૮ લાખ સાથે નિર્દોષાનંદજી હોસ્પિટલને જગદીશ ત્રિવેદીના દાનની રકમ ૫૧ લાખ થઈ





જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક જેમને ભારત સરકારે થોડાં દિવસ પહેલા પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે એવા જગદીશ ત્રિવેદીએ પોતાના પત્ની નીતાબહેનના જન્મદિવસે ટીંબીની નિર્દોષાનંદજી હોસ્પિટલને વધું ૧૮ લાખ રુપિયાનું દાન કરેલ છે.

જગદીશ ત્રિવેદીના  પત્નીનો જન્મદિવસ ૯/૨ ના રોજ હોવાથી ૯x૨= ૧૮ લાખ રુપિયાનું દાન કરેલ છે. આ અગાઊ જગદીશ ત્રિવેદીએ હોસ્પિટલને ૩૩ લાખ રુપિયાનું દાન કરેલ હતું અને આ દાન સાથે આ હોસ્પિટલને એમના વ્યક્તિગત દાનની રકમ પ૧ લાખ પૂર્ણ થયેલ છે.

ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની ખાસીયત એવી છે કે ભાવનગર, રાજકોટ કે સુરત જેવા શહેરોની સિવિલ હોસ્પિટલ કરતા આ ગામડાની હોસ્પિટલમાં રોજની OPD વધુ  છે , આ હોસ્પિટલમાં રોજની ૧૦૦૦થી વધું OPD અને રોજના ૩૦ થી વધુ ઓપરેશન થાય છે. 

અહીં  તમામ પ્રકારના ઓપરેશન તદ્દન મફતમાં થાય છે અને એ પણ અદ્યતન ઓપરેશન થિયેટરમાં થાય છે.

ઓપરેશ તેમજ દવાઓ સાથે જમવાનું પણ મફત

આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં દરરોજ બે લાખ રુપિયાનો ખર્ચ થાય છે. છતાં કોઈની પાસે માંગ્યા વગર દાન આવ્યા જ કરે છે એ સંતની કરુણા અને શુદ્ધ સેવાનો પ્રતાપ છે.



Saturday, 27 January 2024

પદ્મશ્રી પુરસ્કારથી વિભૂષિત થશે શ્રી જગદીશ ત્રિવેદી

 


ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કાર જાહેર થયા છે. આપણા માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતના લોકપ્રિય અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રી જગદીશ ત્રિવેદીને  "પદ્મશ્રી" પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થઇ છે.

આ પહેલા હાસ્ય કલાકાર તરીકે પદ્મશ્રી સન્માન પ્રાપ્ત કરનાર એક માત્ર ગુજરાતી શ્રી શાહબુદ્દીનભાઇ રાઠોડ છે. શ્રી શાહબુદ્દીનભાઇ જગદીશ ત્રિવેદીના કલાગુરુ છે. એ રીતે, ગુરુ અને શિષ્ય બંને પદ્મશ્રી પુરસ્કારથી વિભૂષિત થયા હોય એવો આ પ્રથમ પ્રસંગ છે.

હાલમાં ૫૭ વર્ષની આયુ ધરાવતા શ્રી જગદીશભાઈએ સાત વર્ષની વયે પોતાનું પ્રથમ સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. હાસ્ય કલાકાર તરીકે એમનો પ્રથમ સ્ટેજ શો ૧૯૯૩માં થયો હતો. એ રીતે છેલ્લા ચાલીસ વર્ષમાં એમણે લગભગ ૩૫૦૦ થી વધારે સ્ટેજ કાર્યક્રમ કર્યા છે. 

એમના જીવનની સૌથી વધુ ઉલ્લેખનીય ઘટના એ છે કે પોતાના પચાસમાં જન્મ દિવસે એમણે એક પ્રશંસનીય જાહેરાત કરી. એ મુજબ પોતાના સ્ટેજ કાર્યક્રમોમાંથી જે આવક થશે, એ તમામ રકમ સમાજ સેવા માટે અર્પણ કરવાનો તેમણે નિર્ણય લીધો. એ રીતે છેલ્લા સાત વર્ષમાં તેમણે લગભગ ૬૦૦ સ્ટેજ શો કર્યા. એમાંથી પ્રાપ્ત થયેલી નવ કરોડ અને સાડા છ લાખ રૂપિયા જેટલી તમામ આવક એમણે ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર અને ગૌ સેવા માટે અર્પણ કરી.  એમના આ ઉમદા કાર્યથી એમણે સમાજ સામે અનુકરણીય ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

    એમની અનુપમ હાસ્ય કલા અને અનન્ય સેવા ભાવનાને બિરદાવતા ગુજરાત સરકારે ૨૦૨૩ માં જાહેરાત કરીને એમને "ગુજરાત ગૌરવ" પુરસ્કારથી નવાજ્યા હતા. ભારત સરકારે પણ જગદીશભાઈની કલા અને સેવા-ભાવની યથાયોગ્ય રીતે નોંધ લઇને એમને "પદ્મશ્રી" પુરસ્કાર એનાયત કરવાનો નિર્ણય લીધો છે.

     પોતાની કલા દ્વારા મળનારી  ૧૦૦% આવક સમાજને સમર્પિત કરવાની તેમની વાત સમાજને નવી દિશા ચીંધનાર પગલું છે. એમની કથની અને કરનીએ સાબિત કરી આપ્યું છે કે માનવીય મૂલ્યોને વરેલા શ્રી જગદીશ ત્રિવેદી એક મુઠી ઊંચેરા માનવી છે. આજના અર્થ પરાયણ યુગમાં કશાએ સ્વાર્થ કે અપેક્ષા વગર આવી ત્યાગ ભાવના, ભાગ્યે જ જોવા મળે એવી વિરલ ઘટના ગણાય. 

પોતાને મળેલ આ બહુમાન માટેનું શ્રેય, શ્રી જગદીશભાઈએ સહુ વડિલો, મિત્રો અને સુહ્રદોને આપતા જણાવ્યું છે કે સહુના શુભાશિષ અને શુભેચ્છાઓને કારણે તેઓ આ મુકામ હાંસલ કરી શક્યા છે. 

આપણે સહુ શ્રી જગદીશ ત્રિવેદીને વંદન સાથે અભિનંદન પાઠવીએ.





પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનાં “ સન્માન બદલે સેવા” સુત્રને ચરીતાર્થ કરતો ચોથો સર્વરોગ નિદાન કેમ્પ થયો*

*જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી નિમિત્તે તેમના ચાહકો દ્રારા ૧૧ ગામમાં ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ કરીને અનોખું સન્માન કરવાનો મનોરથ* ——————————————————...